તાળાબંધીના અંતિમ દિવસે, "સાહિત્ય સર્જક સાથે સંવાદ" નો કાર્યક્રમ, V.T.V ચેનલ પર જોતા ઘણો જ ઉલ્લાસ થયો.
આપણી ભાષાની મીઠાશ માણતા જાણ્યું કે લેખકોના જ્ઞાનની સીમા નથી. હાલના લેખકો પહેલાના લેખકોનું સ્મરણ કરે, તેમનાથી તો હું અજ્ઞાત છું. હું હાલના લેખકોને સ્ક્રીન પર જોઉં છું એટલે મારા માટે એજ પ્રેરણાસ્ત્રોત છે.
સૌપ્રથમ તોરલબેને સાહિત્ય સર્જકો સાથે દર્શકોનો તાર જોડ્યો. ત્યારબાદ એક પછી એક લેખકના સુંદર અભિપ્રાય સાંભળતા ખુબજ ખુશી થઈ.
અશોકભાઈ ચાવડા- એમનાથી પ્રેરણા મળી સ્વથી સર્વ સુધી જવાની. એમણે પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મરીઝ ને કેટલાય લેખકોની પંક્તિઓ રજૂ કરી દષ્ટાંત આપ્યા. એમણે જણાવ્યું કે સર્જક કર્મનું ક્રમ બદલવાની જરૂર છે. એમના સંવાદનું મનોમંથન તો મનમાં હજુ પણ ચાલે છે.
શૈલેન્દ્રભાઈ વાઘેલા- ફાફડા અને ચટણી તેમજ છાપુ અને લેખક! જેમ ચટણીના સ્વાદથી ફાફડાનો સ્વાદ વધે, તેમજ સારા લેખકથી છાપાનું મૂલ્ય વધે. તેમણે જણાવ્યું કે હવે તો ઓનલાઈનમાં કેટલાંય કાવ્ય મુશાયરા યોજાય છે, તેથી આ ક્ષેત્રે પણ ઘણું પરિવર્તન થઈ રહ્યું છે. તાળાબંધી પહેલા તો એક કાવ્ય મુશાયરા યોજવવા કેટલીયે તૈયારી અને રૂપિયાની બોલબાલા થતી. કટાર લેખકનાં સંવાદોથી ભૂતથી વર્તમાનની લટાર સર્જાઈ.
વિનયભાઈ ગોસાઈ - ખરેખર સોફ્ટ કોપીનો પ્રવાહ આ તાળાબંધીના સમયે વધી ગયો. એમણે ધ્યાન દોર્યું કે હવે આપણે લેખનથી વોઈસ ટાઈપિંગ તરફ જઈ રહ્યા છીએ. હવે તો ટેકનોલોજીના લીધે પુસ્તક લેખકો સ્વયં પુસ્તકને 'રેડી ટૂ પબ્લિશ' કરી શકે છે.
રક્ષાબેન શુક્લ - એમણે જણાવ્યું કે પરિવર્તન તો જીવનનો નિયમ છે અને લૉકડાઉનની કવિતા રજૂ કરી, તે પણ ઘણી રસપ્રદ હતી.
એશાબેન દાદાવાલા- એમણે કહ્યું કે લેખકે પોતાની કલાકૃતિ વાંચકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરવા પડશે અને જેમ માસ્ક ફેન્સી મળવા લાગ્યા છે તેમજ સાહિત્યમાં પણ લખાણમાં ફેરફાર થવા લાગ્યા છે.
હરદ્વારભાઈ ગોસ્વામી - એમણે જણાવ્યું કે સાહિત્ય સર્જકોનો જવાબ એક હોય શકે પણ તેમની અભિવ્યક્તિ જુદી હોય છે. તેમના મુક્તક હૃદયસ્પર્શી હતા.
દર્શકોને સાહિત્યિક ફૂલોનો ગુલદસ્તો આપવા બદલ V.T.V ને આભાર.
- ફોરમ શાહ (કોલકાતા)
No comments :
Post a Comment